ગુજરાતના નાનકડા ગામમાં જન્મેલા ધીરુભાઈ ફોર્ચ્યુન ૫૦૦માં સ્થાન પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપનીના સ્થાપક બન્યા. ધીરુભાઈની કથા શૂન્યમાંથી સર્જનની કથા છે. ધીરુભાઈએ પદ્ધતિસરનું ઉચ્ચ શિક્ષણ નહોતું લીધું. આમ છતાં તેમણે વેપારી કુનેહ અને સાહસિકતા દાખવી. તેના કારણે ધીરુભાઈની વેપારી કાર્યપ્રણાલી બીજા કરતાં અલગ પડતી હોય તો તેમાં નવાઈ નથી.
આ પુસ્તક ધીરુભાઈની જીવનકથા નથી કે તેમણે કઈ રીતે ઔદ્યોગિક સામ્રાજ્ય સ્થાપ્યું તે વિશે નથી. પુસ્તકમાં લેખકે ધીરુભાઈના સિદ્ધાંતો અને કાર્યપ્રણાલીને વર્ણવ્યા છે. દીર્ઘકાલીન સંપર્ક દરમિયાન લેખકને ધીરુભાઈ પાસેથી જે શીખવા મળ્યું તેને પુસ્તકમાં શબ્દસ્થ કર્યું છે. ધીરુભાઈઝમનાં ૧૫ પ્રકરણોમાં પ્રગટ થાય છે દેશના સૌથી સફળ ઉદ્યોગપતિ ધીરુભાઈના સિદ્ધાંતો, કાર્યપ્રણાલી અને તેમના વિચારો.
એ. જી. કૃષ્ણમૂર્તિ, મુદ્રા કૉમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર ચૅરમૅન અને મેનેજિંગ ડિરેક્ટર બન્યા ત્યારે તેમની પાસે મૂડી તરીકે હતા માત્ર ૩૫,૦૦૦ રૂપિયા અને એકમાત્ર ક્લાયન્ટ રિલાયન્સ ટૅક્સ્ટાઈલ. આમ છતાં ફક્ત નવ વર્ષમાં સમગ્ર ભારતમાં ત્રીજા ક્રમની સૌથી મોટી ઍડ્વર્ટાઇઝિંગની એજન્સી તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરી.
હાલમાં કૃષ્ણમૂર્તિ એજીકે બ્રાન્ડ કન્સલ્ટિંગના ચૅરમૅન છે. ત્રણ દીકરીઓ અને એક દીકરો એમ ચાર સંતાનોના પિતા કૃષ્ણમૂર્તિ પરિવાર સાથે અમદાવાદ અને હૈદરાબાદમાં રહે છે.