Author : Kirit Goswami (કિરીટ ગોસ્વામી)
બાળહૃદયને સ્પર્શી અને સમજી ચૂકેલા બાળવાર્તાકાર
કિરીટ ગોસ્વામીની બાળવાર્તાઓ ગુજરાતી બાળસાહિત્યનો નમણો, રળિયામણો કોમળ મુકામ છે. બાળસાહિત્યના આપણા ઉત્તમ સર્જકોમાં કિરીટ ગોસ્વામીનું માતબર ખાતું ખૂલેલું છે.
બાળસાહિત્યનું સર્જન ઘણું કપરું છે. જે સર્જકના હૃદયમાં પોતાનું શૈશવ એવું ને એવું અકબંધ રહ્યું હોય તે સર્જક જ ઉત્તમ બાળસાહિત્યનું સર્જન કરી શકે. કિરીટ ગોસ્વામી શિશુસહજ વિસ્મય અને બાળહૃદયની નિર્દોષતા અકબંધ રાખી શક્યા છે અને પોતાને મળેલા સર્જકતાના વરદાનના બળે ઉત્તમ બાળસાહિત્ય સર્જી શક્યા છે.
આ બાળવાર્તાઓ કદમાં ટૂંકી પણ સચોટ છે. પરંપરિત પશુ-પંખીઓનાં પાત્રોને અને જીવનમૂલ્યોને લેખક આધુનિક રૂપ-રંગમાં લાવ્યાં છે. કમ્પ્યૂટર પર કામ કરતી ખિસકોલી કે મોબાઇલ વાપરતાં મીનીમાસી અને તોફાની ઉંદરો આધુનિક વાતો અને વાતાવરણ જમાવે છે. આ બધી કલ્પનાઓ કિરીટ ગોસ્વામીની કલમ આધુનિક બાળક-તરફી હોવાનું સૂચવે છે. ટચૂકડી વાર્તાઓ બાળભોગ્ય છે; એટલા જ એમાં વ્યક્ત ભાવો, વાત અને વાતાવરણ બાળસહજ પણ છે. ક્યાંક નાનાં શિશુઓની સૃષ્ટિ ડોકાય છે, તો ક્યાંક બાળ-કિશોરોની સંવેદનાની ઝલક છે. વચ્ચે આવતાં જોડકણાં, વાર્તારસને પોષક બને છે ને ભાવક માટે આનંદપ્રદ બને છે.
કિરીટ ગોસ્વામી બાળકોને સરસ રીતે – અભિનય અને ઉચિત લય-લહેકા સાથે – વાર્તાઓ કહેવાનો કસબ પણ જાણે છે; આથી તેમની બાળવાર્તાઓમાં ટૂંકાં વાક્યો, બાળસહજ ઉદ્ગારો, એવી જ કલ્પનાઓ, નાનાં જોડકણાં – આ બધું એકરસ થઈ જાય છે.
– રતિલાલ બોરીસાગર