Author : Deval Shastri (દેવલ શાસ્ત્રી)
જીવન એ બહુ જ જટિલ કોયડો છે, જેને સમજવાની અને ઉકેલવાની મથામણમાં જ એ પૂરું પણ થઈ જાય છે. જીવનના ઊબડખાબડ અનુભવોમાં પસાર થતાં હોઈએ ત્યારે આપણે હંમેશાં એવી કલ્પનાઓમાં હોઈએ છીએ કે… એક દિવસ તો સુખ પામીશું… એક દિવસ તો સારો ઊગશે… એક દિવસે બધાએ આપણો ડંકો માનવો પડશે… એક દિવસે તો સંજોગો આપણી તરફેણમાં જ હશે…
‘એક દિવસ એવો આવશે’-નું આ છળ આપણી સાથે નાનપણથી જ શરૂ થઈ જાય છે… અને આપણે સુખી થવાની, સંપન્ન થવાની, સ્વતંત્ર થવાની કે જીવનને મુક્ત મને માણી લેવાની ‘શબરીવૃત્તિ’માં પડી જઈએ છીએ. એ શબરીવૃત્તિમાં જ આપણે જીવન જીવવાને બદલે, રોમાંચોને માણવાને બદલે – જિવાતા જીવનને શ્રદ્ધાંજલિ આપી દઈએ છીએ.
આ પુસ્તક તમને ક્યારેક હસાવશે, ક્યારેક રડાવશે તો ક્યારેક આશ્ચર્યથી ભરી દેશે. અહીં જીવનના સાચા રંગો, પ્રેમ, સંઘર્ષ, આનંદ, પડકારો, સંસ્કૃતિની સાદગી, રોમૅન્ટિક નોસ્ટાલ્જિયા અને ભાવનાત્મક ઊંડાણ તમારી સામે રજૂ થાય છે. આ વાતો તમને તમારી યાદો, સપનાંઓ અને લાગણીઓ સાથે જોડશે. અહીં સંબંધોની ગરમાહટ અને જીવનની સરળતા પણ અનુભવાશે. ગામની શાંત ચાલીઓથી શહેરની ધમાલ સુધીની સફર દર્શાવતી આ વાતો તમને જલસો કરાવશે. ગુજરાતી માટીની સુગંધ અને સંસ્કૃતિનો રંગ લઈને આવતું આ પુસ્તક તમને બાળપણની ગલીઓ, મૈત્રીનાં ઝરણાં અને પહેલાં પ્રેમની એ મીઠી ઝંખનામાં લઈ જશે જ્યાં નોસ્ટાલ્જિયાનો દરેક રંગ તાજો થશે.
આ પુસ્તક તમને નવી ઊર્જા આપશે અને જીવનની નાની નાની ક્ષણોની કિંમત સમજાવશે. આ માત્ર પુસ્તક નથી, આ એક એવી સફર છે, જે તમને તમારી જાત સાથે જોડશે.
આ છે – પેલા એક દિવસની રાહમાં પૂરી થઈ જાય એ પહેલાં – ‘જીવવા જેવી જિંદગી’.