મનની બેરંગી લીલાઓનું દર્શન કરાવતી કથાઃ મનાલય
નોબેલ પ્રાઇઝ વિજેતા મલાલા યુસુફઝાઈનું વિધાન છે : ‘આપણને જ્યારે ચૂપ કરી દેવાય છે ત્યારે જ આપણા અવાજનું મહત્ત્વ સમજાય છે.’ આ વિધાનમાં કથાનાયિકા અવધિના મનોજગતનો ચિત્કારી ઊઠેલો મૌન પડઘો છે.
કહેવાય છે કે સંબંધના હરિયાળા વૃક્ષને જેટલી હદે પાનખર સૂકવી દેતી નથી એટલી હદે શંકા અને વહેમ સૂકવીને નષ્ટ કરી દે છે. નાયક એતદ્ અને નાયિકા અવધિ એવાં Love Birds છે, જેમણે એકબીજાંને ચાહતાં રહેવાનાં સ્વપ્નિલ ચિત્રો લગ્નજીવનના કૅન્વાસ પર અંકિત કરી દીધાં છે.
આ યુગલના જીવનમાં એવી તે કઈ પળ આવી કે જે પળે, એકબીજાંની સાથે રહેનારાંને એકબીજાંની સામે લાવીને મૂકી દીધાં?
એતદ્ પોતાની સાવ નજીક – સાવ પાસે બેઠો હોય, તેમ છતાં અવધિ એવા તે કોના અને કેવા વિચારોમાં ખોવાઈ જતી કે જેના પરિણામે એતદ્ ધીરે ધીરે શંકાના દાયરામાં આવતો ગયો? કોણ હતું એ?
છેવટે એવું તો શું બને છે કે એતદ્ને પોતાની ઉપર નફરત થવા માંડે છે?
સંબંધની રંગોળીમાં શંકાના લિસોટા કેવાં પરિણામો લાવી શકે એ સમજવું હોય તો તમારે આ પુસ્તક વાંચવું જ રહ્યું.