જૂલે વર્નની જ આ ત્રીજી કૃતિનું ગુજરાતી પ્રતિબિંબ મારા કિશોરમિત્રો પાસે મૂકું છું. પહેલી બે કૃતિઓમાં મને મારા મિત્રો તરફથી મળેલા ઉત્સાહનું જ આ પરિણામ છે. જૂલે વર્નની આ નાની અને રમતિયાળ કલ્પનાથી રંગેલી કૃતિ મને ખૂબ જ ગમેલી.
ગુજરાતની વાંચવાની શક્તિ ખૂબ મર્યાદિત છે, અને તેની શક્તિને મૂંઝવી નાખે એટલું સાહિત્ય ગુજરાત સામે આવીને પડે છે. એ વખતે તેમાંથી આપણો કિશોરવર્ગ કોઈ રીતે ઊગરી જાય તે માટે બહારનું સાહિત્ય તો ગાળી ગાળીને જ તેમની પાસે મુકાવું જોઈએ, અને સ્વતંત્ર સાહિત્ય પણ વિવેચનની આકરી કસોટીમાંથી પસાર થઈને બહાર મુકાવું જોઈએ, એમ માનનારો હું છું એટલે મારી કૃતિઓ સંબંધેની આકરી કસોટી હું સાહિત્યસેવીઓ પાસેથી માગું છું. મને આશા છે કે પ્રશંસા અથવા ટીકા ગમે તે રૂપે મને જે કંઈ મળશે તે મારા ઉત્સાહને વધારનારું જ થશે; કારણ કે આ જાતના સાહિત્યની જરૂરિયાત માટે મને બિલકુલ શંકા નથી. તેને મૂકવાની રીત પૂરતો જ હું ભૂલ ખાતો હોઉં એવો સંભવ રહે ખરો. એટલા પૂરતી માર્ગસૂચનની જરૂરિયાત સ્વીકારીને જ આટલું લખવા પ્રેરાયો છું.
– મૂળશંકર મોહનલાલ ભટ્ટ