આ પુસ્તક જૂલે વર્નની અદ્ભુત છતાં અત્યંત શાસ્ત્રીય કલ્પનાનું સર્વોત્તમ ફળ છે. એક વખત જ્યારે સબમરીન નહોતી ત્યારે આ `નૉટિલસ’ની કલ્પના જૂલે વર્ને કરી. એ કલ્પના એટલી સચોટ, એટલી વ્યવસ્થિત અને એટલી વિગતપૂર્ણ છતાં એટલી મનોરમ ભાષામાં મૂકાયેલી છે કે લોકોને કબૂલ કર્યા વિના ચાલતું નથી કે સબમરીનની શોધ જૂલે વર્નની પાતાલસ્પર્શી કલ્પનાને ઋણી છે.
માછલીઓના અભ્યાસીઓને માટે કે સાગરમાં થતી વનસ્પતિઓ, મોતી, વગેરે વગેરેના અભ્યાસીઓ માટે આ પુસ્તક પ્રમાણગ્રંથ ન હોય; પરંતુ પ્રમાણગ્રંથો કેવા હોવા જોઈએ તેના ધોરણરૂપણ છે – વૈજ્ઞાનિકે સમષ્ટિનો કેવી રીતે અભ્યાસ કરવો જોઈએ તેનું દિશાસૂચક છે.
જૂલે વર્ને ફ્રેન્ચ છતાં દુનિયા આખીના કિશોરોનો-વિદ્યાર્થીઓનો મિત્ર છે. બધાને તેની વાત ગમે છે. જૂલે વર્નની વાર્તાઓમાંથી આ એક ગુજરાતીમાં ઉતારેલી વાર્તા છે.