પાંચ વર્ષમાં ફાઈવ સ્ટાર. ઈશ્વર કૃપા અને માતા-પિતાના આશીર્વાદથી ૨૦૨૧માં પહેલું પુસ્તક પ્રકાશિત થયા બાદ ૨૦૨૫નાં અંતમાં આ પાંચમું પુસ્તક પ્રકાશિત થયું છે. CAના વ્યસ્ત શેડ્યુલ માંથી સમય ચોરીને શોખને પોષવો મોઘો છે. પણ મોંઘા શોખની લિજ્જત જ કઈ ઓર હોય છે.
‘સ્કોલા’ એ ગ્રીક શબ્દ છે. સૌ પ્રથમ ભારતના તત્વજ્ઞાની એવા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી પાસેથી સાંભળવા મળ્યો. સ્કોલા શબ્દ પરથી જ સ્કુલ અને સ્કોલર શબ્દ આવેલા છે. સોક્રેટીસ અને એરિસ્ટોટલના સમયમાં ગ્રીકમાં જ્ઞાની લોકો જે જગ્યા પર એકઠા થઈને જ્ઞાનની ચર્ચા કરવા મળતા તેને તેઓ ‘સ્કોલા’ કહેતા.
‘સ્કોલા' સોક્રેટિસના સમયનો વિચાર-શબ્દ છે અને ‘ચોરો’ એ ગ્રામ્યવિચારનો શબ્દ છે. અહીં કોઈ એજન્ડા મુજબ નક્કી કરેલી વાતો ન થાય. બધું ઇનફોર્મલ ચાલે. આથી મુક્ત અને વ્યાપક વિષયવૈવિધ્ય માણવા મળે.
ગેસ—સ્ટવ ચાલુ કરવા લાઇટરની જરૂર પડે તેમ અહીં સાંપ્રત વિષયમાં પ્રવેશ કરવા માટે સમાજમાં બનતી ઘટનાઓને ઉપયોગમાં લીધી છે. વિષય શરૂ થયા પછી સાંપ્રત ઘટના છૂટી જાય છે અને તેની પાછળનું તત્ત્વજ્ઞાન, તેની પાછળનો મેસેજ, તેની પાછળનો વિચાર આગળ લઈ જવાનો પ્રયત્ન છે. તેને એ ઘટનાના માધ્યમથી પ્રકાશિત કરવાનો પ્રયત્ન છે. સ્કોલાના દરેક વિષયનું ગંતવ્યસ્થાન તો ઈશ્વર, રાષ્ટ્રપ્રેમ, ભારતીય સંસ્કૃતિ, જીવનમૂલ્યો, જીવનપદ્ધતિ, સત્યની ખોજ, કોઈ પણ રૂઢિ કે પરંપરા પાછળના તત્ત્વજ્ઞાનની ખોજ, કોઈ વાત કે વિચારના મૂળ તરફ જવાની વાત હોય છે. દરેક વિષયને અલગ અને વિશિષ્ટ દૃષ્ટિકોણથી વ્યક્ત કરવાનો આ પ્રયત્ન સૌને ગમશે.
જે ફક્ત પાંચસોથી સાતસો શબ્દોમાં જ રજૂ કરેલ છે. અગાઉના બધા જ પુસ્તકો અંગે વાચકો તરફથી જે પ્રેમ મળ્યો છે એવો જ પ્રેમ આ પુસ્તકમાં પણ મળી રહશે એવી આશા છે.
Let's Think Differently
- પરેશ ભટ્ટ.