ઇન્ટરનેટના આ યુગમાં આમ જુઓ તો સંચાર ઝડપી બન્યો છે, પરંતુ માણસ માણસ વચ્ચેનું અંતર પણ વધ્યું છે. અનેક વિકલ્પોની વચ્ચે જીવતો માણસ તનાવ, નિરાશા જેવા માનસિક રોગોનો શિકાર બનતો જાય છે. આવા સમયે એને મોટિવેશનલ વાતાવરણની ખૂબ જરૂર પડે છે. આજે જ્યારે સોશિયલ મીડિયા જેવાં માધ્યમો પર મોટિવેશનલ સ્પીકરોનો તોટો નથી ત્યારે લેખક પરેશભાઈ ભટ્ટ આપણા યુગોપુરાણા સંસ્કૃત ગ્રંથોના સમંદરમાં એક મરજીવાની જેમ ડૂબકી મારે છે અને તેમને સાંપડે છે મોતીસમાન સંસ્કૃત સુભાષિતો અને સુવિચારો. આવા મોટિવેશનલ શ્લોકો અને સુભાષિતોનો સંચય એટલે આ પુસ્તક ‘અહો સુપ્રભાતમ્!’.
આ પુસ્તકમાં ઉત્તમ વિચાર અને જીવનબોધ આપતા શ્લોકો અને સુભાષિતોનું ગુજરાતી ભાષાંતર તો છે જ. સાથે તેને જીવનમાં ઉતારી સફળ બનનાર વ્યક્તિઓના પ્રેરણાદાયી પ્રસંગો પણ ટાંકવામાં આવ્યા છે. નીતિશતક, વૈરાગ્યશતક, શાકુંતલ, કુમારસંભવ, મેઘદૂત, ભોજપ્રબંધ, ચાણક્યનીતિ જેવાં ઉત્તમ સંસ્કૃત પુસ્તકોમાંથી લેવાયેલા શ્લોકો અને સુભાષિતો આજના સમયમાં પણ એટલા જ પ્રસ્તુત છે.
ડગલે ને પગલે મૂંઝવણ અનુભવતા આજના યુવાનો માટે આ પુસ્તક સફળતાની કેડી કંડારવા માટે માર્ગદર્શક બની રહેશે.