Author : Rajnikant Patel (રજનીકાન્ત પટેલ)
કોઈ એક માનવી બે દૂરનાં સ્થળે એકસાથે હાજર હોય?
શરીરમાંથી વહેતું લોહી મંત્રથી અટકાવી શકાય?
આગ પર કેવી રીતે ચાલી શકાય?
ભૂતકાળમાં બની ગયેલી અને વર્તમાનકાળમાં બનતી એવી અનેક રસપ્રદ ચમત્કારિક ઘટનાઓનો આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે.
‘ચમત્કાર કેમ થાય છે’ એ શીર્ષકનો ‘કેમ’ શબ્દ – ‘કારણ’ અને ‘પ્રક્રિયા’ એવા બંને અર્થમાં છે. આ પુસ્તકમાં ચમત્કારિક ઘટનાની પ્રક્રિયા અને તેનાં કારણો સમજાવવામાં આવ્યાં છે. સાધક, સિદ્ધિ, ભૂત, ભાવિ ઘટનાઓ, અગ્નિ, પૃથ્વી-અવકાશનાં રહસ્યો અને વૈજ્ઞાનિક અભિગમના આધારે – આ ઘટનાઓની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી છે.
‘ચમત્કાર’ એટલે કાર્યકારણ સંબંધ વગરની ઘટના નહીં, શૂન્યમાંથી સર્જન નહીં. ચમત્કાર એટલે અત્યારના તબક્કે ઓછી કે તદ્દન નહીં સમજાયેલી ઘટના. આવી ઘટનાને દૈવી કે સમજૂતીથી પર માનીને બેસી રહેવાની મનોવૃત્તિ જ્ઞાન – વિજ્ઞાનના વિકાસની આડે આવે છે. માનવજાત માટે હાનિકારક નીવડે છે, તેથી આ પુસ્તકમાં ચમત્કારિક ઘટનાને વૈજ્ઞાનિક દૃષ્ટિએ સમજવાના પ્રયાસો થયા છે. ચમત્કારિક ઘટના પ્રત્યે કોઈ એક પ્રકારનું જડ મનોવલણ અપનાવવાને બદલે વિવિધ અભિગમને સ્થાન અપાયું છે. વિરોધાભાસી હકીકતોને પણ વ્યક્ત કરાઈ છે.