લેખક: રાઘવજી માધડ
પુસ્તકનું નામ: ધબકાર
પાના: 164
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
પ્રેમ પરમતત્ત્વ છે. પરમાત્માસ્વરૂપ છે. પ્રેમ સ્વયં એક પુરસ્કાર છે. પ્રેમમાં હોવું એ જીવનની અદ્ભુત ઘટના છે. પ્રેમમાં માણસની દૃષ્ટિની સાથે જીવન અને આખું જગત બદલાઈ જાય છે. માણસને દરેક બાબત અનેરી અને અનોખી લાગવા માંડે છે.
પુસ્તકો ન વાંચવાને કારણે આપણે વાંચન થકી બુદ્ધ થવાના બદલે મનથી વૃદ્ધ થઈએ છીએ. જીવનમાં વાંચનનું મહત્ત્વ આંકીએ એટલું ઓછું છે.
આપણે સમય, સંજોગો, સ્થિતિ પ્રમાણે જીવતા શીખવું પડશે. જીવનરીતિને બદલવી પડશે. બેફામ બનતી જરૂરિયાતને લગામ રાખવી પડશે. ખરું પૂછો તો માણસ ભૌતિકતાના લીધે આજે યંત્ર જેવો થતો જાય છે. જે છે તેને સ્વીકારી, સમજપૂર્વક સામનો કરી જીવતા શીખવું પડશે.
આપણે ત્યાં જીવનમાં પાત્ર મળ્યું તેને ગમતું કરી લેવાની સામાજિક પરંપરા જૂની અને બહુ ઊંડી છે પણ સાવ ભૂંડી છે એવું પણ નહીં કહી શકાય, કારણ કે ગમતું પાત્ર મળે અને જીવનભર ગમતું જ રહે એવો કોઈ લેખિત કરાર, દસ્તાવેજ હોતો નથી અથવા તો તેની કોઈ ગૅરન્ટી કે વૉરન્ટી હોતી નથી. આ અનુભવનો વિષય છે. જીવનમાં ઘણું ગમતું કરવું અથવા ચલાવી લેવું પડતું હોય છે.
કોઈ રાજપુરુષ કે રાષ્ટ્રનેતાએ વર્ગ, વર્તુળ, વિસ્તાર... નહીં પણ રાષ્ટ્ર અને સમગ્ર માનવજાત માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હોય તેથી તેઓ સ્વનામધન્ય થયા હોય, વિશેષ પદને પામ્યા હોય કે લોકહૃદયમાં બિરાજ્યા હોય... આવા યુગપુરુષ, મહાપુરુષ કે વિશ્વવિભૂતિને કોઈ કુંઠિત વાડામાં ક્યારેય કેદ કરી ન શકાય અને કરીએ તો, એ મહાપુરુષના મૂલ્યમાં ઉમેરો નહીં પણ ઘટાડો કરીએ છીએ.
પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. સમયોચિત બદલાવ આવવો જોઈએ. સમયથી મોટો બીજો કોઈ ગુરુ નથી. જીવનમાં જે ગુરુ ન શીખવી શકે તે સમય શીખવી જાય છે. સમયને ટાળી, વાળી કે ખાળી શકાતો નથી.
આવી અનેક બાબતો અંગે તમને નવેસરથી વિચારવા માટે પ્રેરણા આપતું આ પુસ્તક આજે જ વાંચો.