જાણીતા તસવીરકાર અને સંપાદક સંજય વૈદ્ય દ્વારા સંપાદિત અને લોકચાહના પામેલી ઈ-સિરીઝનું આ પુસ્તક ચંદ્રકાંત બક્ષીના ઈગોનો જાણે ઑલ્ટર ઈગો છે. પાલનપુરમાં જન્મી કોલકાતામાં રહી ગુજરાતી સાહિત્ય વિપુલ સર્જન કરનાર બક્ષીબાબુનું સાહિત્ય એટલે સત્યનો આયનો. જિંદગી-મૃત્યુ, સ્ત્રી-પુરુષ, પ્રેમ, સમાજ, પૉલિટિક્સ, ધર્મ, ઈશ્વર જેવા અનેક વિષયો પર બક્ષીબાબુની કલમે વિના કોઈ સંકોચ કે દંભ પોતાના તીખા છતાં સર્વસ્વીકાર્ય વિચારો રજૂ કર્યા છે. તેમના તેજસ્વી, તેજાબી અને તોખારી શબ્દોએ સાહિત્યનો અનોખો માહોલ સરજ્યો અને અનેક વાચકોને તેનું વ્યસન લગાડ્યું. ધાર કાઢેલા શબ્દો હૃદયસોંસરવા ઊતરી જાય છતાં વાચક ઘાયલ હૃદયે પણ તેમના સાહિત્યને ચાહતો આવ્યો છે. વ્યાખ્યા કે વિવેચનથી પર બક્ષીબાબુના સાહિત્યે સાહિત્યના આકાશમાં ધ્રુવ તારાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને અસંખ્ય વાચકોના હૃદયમાં આજે પણ ધબકતું રહ્યું છે. બક્ષીબાબુ હંમેશાં જેમની તસવીરોનો આગ્રહ રાખતા એવા તસવીરકાર અને સંપાદક સંજય વૈદ્ય દ્વારા તેમના સમગ્ર સાહિત્યમાંથી ઉત્તમ લેખોની પસંદગી કરી આ પુસ્તકમાં સંપાદિત કરવામાં આવ્યા છે, જેમાંથી દંતકથાસમાન લેખક બક્ષીબાબુનો મિજાજ અને ભારોભાર મસ્તી ટપકે છે. આ પુસ્તકમાં પણ દરેક લેખ સાથે મુકાયેલી ચંદ્રકાંત બક્ષીની સંજયભાઈ દ્વારા લેવાયેલી લાક્ષણિક તસવીરોમાં તેમના વિવિધ ભાવો અને મુદ્રાઓ આબાદ રીતે ઝિલાયાં છે. જાણે બક્ષી પોતે જ વાત ન કરી રહ્યા હોય! ગુજરાતી સાહિત્યના અનન્ય સર્જક ચંદ્રકાંત બક્ષીસાહેબના સર્જનને નિકટથી જાણવા અને માણવાનો મોકો આપતું આ પુસ્તક બક્ષીબાબુના આત્માનો એક્સરે છે. તેમના ચાહકો અને ગુજરાતી વાચકો માટે આ પુસ્તક એક કલેક્ટર્સ એડિશન છે.