ભાણદેવજીએ પ્રાકૃતિક સૌંદર્યનું સ્વર્ગ ગણાતા હિમાલયની ૨૪ યાત્રાઓ કરી છે અને પોતાના અલૌકિક અનુભવોને ૧૮ પુસ્તકોમાં આલેખ્યા છે. આટલું ઓછું હોય એમ પોતાના ૧૯મા પુસ્તકમાં હિમાલયનાં કેટલાંક ગહન અને ગુપ્ત સ્થાનોને ઉજાગર કરે છે.
ગંગા નદીના ઉદ્ભવસ્થાન ગોમુખ અને ગંગોત્રીથી શરૂ થયેલી તેમની યાત્રા અનેક વણખેડાયેલાં સ્થાનો અને ક્ષેત્રોમાંથી પસાર થઈ સિદ્ધપુરામાં અટકે છે. આ દરમિયાન શ્રી ભાણદેવજી ગુફાઓમાં વસતા સાધકો અને સાધુસંતોને મળે છે. તેમની સાદી અને તપસ્વી જીવનશૈલીનો પરિચય મેળવે છે અને જ્યાં પ્રાણવાયુ પણ માંડ-માંડ પહોંચી શકે તેવી પાતાળ ભુવનેશ્વરની વિશાળ ગુફાની સેર કરાવે છે. જગદંબાનાં અનેક મંદિરોનું સ્થાનક કાલિમઠ અને કાલિશીલાની પ્રાકૃતિક અજાયબીની સાથે તેનાં વિવિધ સ્વરૂપોનાં દર્શન કરાવે છે. કૈલાસ માનસરોવર પરિક્રમા દ્વારા થયેલા આધ્યાત્મિક અનુભવો અને પ્રસંગોથી આપણને અભિભૂત કરી મૂકે છે. કિન્નરોના દેશ ગણાતા સાંગલઘાટીથી લઈને ગંધર્વના દેશની યાત્રાનું વર્ણન કથા અને પુરાણોમાં સાંભળેલા પ્રસંગોની યાદ તાજી કરાવે છે. સ્થળ, રસ્તાઓ, સમય અને પ્રકૃતિનું બારીક અને આબેહૂબ વર્ણન વાચકને જાણે હિમાલયના ક્ષેત્રમાં સદેહે લઈ જતું હોય તેવું છે. સ્થાનિક ભોમિયાઓ અને ગ્રામજનો સાથે થયેલો વાર્તાલાપ, તેમના દ્વારા મળતી મદદ અને માર્ગદર્શનની વાતોથી હિમાલયની તળેટીના ગ્રામ્ય જીવન અને પરિવેશનો સુપેરે પરિચય મળે છે.
પુસ્તક વાંચતાં વાંચતાં વાચકને હિમાલયના પ્રવાસે ઊપડી જવાનું મન થઈ જાય તો નવાઈ નહીં.