પોતાનું સેવાકાર્ય વિચરતી જાતિઓ વચ્ચે સમર્પિત કરી ધન્યતાનો અનુભવ કરતી બહેન મિત્તલ જળસંચયના કામને પણ સર્વાંગીણ વિકાસના અસરકારક સાધન તરીકે પ્રયોજીને મનુષ્યત્વને ઉજાગર કરતા સાધ્યને સિદ્ધ કરી રહી છે. અનેક પ્રકારનાં વિઘ્નો, પ્રશ્નો, અડચણો આવ્યાં હોવાં છતાં તેણે કામ છોડ્યું નથી. કંટાળો કે થાક અનુભવ્યો નથી. કંટાળ્યા વગર કરેલ આવું સદ્કર્મ જ્યારે પ્રસન્નતા-પરિતોષ આપે છે, ત્યારે આત્માપોષક નિજાનંદી ઝરણું બને છે. બહેન મિત્તલનું આ પરમાનંદી કામ એ અદ્યતન ભક્તિ છે.
આમ, મિત્તલ પટેલ માટે જળસંચયનાં કામો એ જીવનનું ભજન જ છે. પ્રસ્તુત લેખોમાં મિત્તલે પ્રયોજેલ કહેવતો, સૂત્રાત્મક લખાણો, ટાંકેલ વૈજ્ઞાનિક તારણો અને આધારો વગેરે તેની સંવેદનાસભર સેવાવૃત્તિની સાથોસાથ કરેલા ઊંડા અભ્યાસને પણ ઉજાગર કરે છે.
બહેન મિત્તલ જે સેવાક્ષેત્રને હાથમાં લે એ એમના હૃદય સુધી પહોંચી જાય છે. પાણી એ આત્માનું અમૃત છે. એ અમીમય જળમંદિરોનું સર્જન કરવાનું ચેતનવંતુ કામ આ પાણીદાર દીકરીએ હાથમાં લીધું છે.
અહીં પ્રગટ થતો શબ્દ સાંપ્રત અને ભવિષ્યનો ચિતાર આપી સચેત કરે છે. જાણે કે આ અભિવ્યકિત આપણા સૌ માટે પૂર પહેલાં પાળ બાંધવા સમી છે! આગમાંથી જેટલા પૂળા બચાવી શકાય એટલા બચાવવાની હાકલ એક દેવની દીધેલ દીકરી કરે છે. સવાલ છે, સમસ્યા વકરી છે, તો એનો જવાબ, ઉકેલ પણ સ્વયં કાર્ય કરીને આપે તેને ગુજરાત અને હવે ભારત મિત્તલ પટેલ તરીકે ઓળખે છે.
અરુણ દવે