'પથેર પાંચાલી' (૧૯૨૯) બંગાળની ગ્રામીણ પશ્ચાતૃભૂમિકામાં કુદરતની રમ્યતા વચ્ચે લખાયેલી અને તે સમયના સામાજિક વાસ્તવનું અદ્ભુત આલેખન કરતી ભારતીય સાહિત્યની એક ઉત્તમ-ક્લાસિક નવલકથા છે. નાયક અપૂર્વ (અપુ)ના બાળપણથી વયસ્ક થવા સુધીના વિકાસની કથા વિભૂતિભૂષણ બંદ્યોપાધ્યાયે ગૂંથી છે. નિમ્ન મધ્યમ વર્ગના ગોરપદું કરતાં ગરીબ બ્રાહ્મણ હરિહર રાય પરિવાર સાથે ગામમાં મુશ્કેલીઓભર્યું જીવન પસાર કરી રહ્યા છે. પણ તેમનાં સંતાનો દુર્ગા અને અપુ પોતાની અત્યંત ગરીબ અવસ્થાથી અજ્ઞાત હોઈ મસ્તી, તોફાન અને બેફિકરાઈથી ઘૂમ્યાં કરે છે અને અભાવોની વચ્ચે પણ સામાન્ય આનંદમાં મસ્ત રહે છે. વૃક્ષ નીચે બેસવું, જંગલોમાં, નદી કિનારે ફરવું, દૂરથી. ટ્રેનની વ્હીસલ સાંભળી નાચી ઊઠવું, સમવયસ્કોની મંડળીમાં રમવું વગેરે... લેખકે અહીં માનવમૂલ્યો અને સંસ્કૃતિની ભાવના પ્રગટ કરી, રોજિંદા જીવનના માનવ-સંબંધોની ભરતી-ઓટનું કરેલું ચિત્રણ ચિત્તને આંદોલિત કરી દે છે. અપુની સંવેદનશીલતા અને વિસ્મયવિભોરતા તેનાં ચરિત્રના વિશેષને ઉદ્દઘાટિત. કરે છે. પરિવારની આકાંક્ષાઓ ખંડખંડમાં વેરાઈ જતાં કથાને અંતે કરુણતા છવાય છે.
સત્યજિત રાયે ૧૯૫૫માં આ કૃતિથી પ્રભાવિત થઈને “પથેર પાંચાલી” ફિલ્મનું નિર્માણ કર્યું હતું.