ભારત વિશ્વમાં એકમાત્ર એવા વિશાળ હૃદયનો દેશ છે, જેમાં અનેક ભાષાઓ, રીતરિવાજો, નાના-મોટા પંથો, ધર્મો અને સંસ્કૃતિ એકબીજાં સાથે ગૂંથાયેલાં છે. આ વિરાસતના જ્ઞાનમાર્ગ માટે દેશ અને દુનિયાની અનેક ભાષામાં સાહિત્યસર્જન થતું રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ વિશેની અનેક બાબતોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પામવાની અનોખી પરંપરા છે. સનાતન સાહિત્યનો અભ્યાસ કરીએ તો વિવિધતાને બદલે એકાત્મકતાનું જીવનદર્શન પણ સમજવા મળે છે.
આ સમૃદ્ધ જ્ઞાનના વારસાને આ પુસ્તકમાં નવી નજરે રજૂ કરવામાં આવ્યો છે. અહીં ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ કહી શકાય એવી રાજનીતિ, આર્થિક, ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતની અનોખી વાતો કહેવામાં આવી છે. સનાતન ધર્મને સરળતાપૂર્વક સમજવા હજારો વર્ષથી અનેક કથાઓ કહેવાઈ છે. આ કથાઓમાં રહેલાં વ્યવહારુ જ્ઞાનના સત્ત્વને લેખકે વાચકો માટે રજૂ કર્યું છે.
ભારતીય સનાતન પરંપરા અને ભારતીય ઇતિહાસનો અભ્યાસ આધુનિક યુગની આવશ્યકતા છે. સદાય આનંદમય જીવન જીવવા માટે પથદર્શક બનેલી કથાઓ તમને ચકિત કરી દેશે. આ પુસ્તકનું વાંચન ભારતવર્ષની મહાન સનાતન પરંપરાને સરળતાથી સમજાવવામાં મદદ કરશે.