બાળકોની સ્કૂલ પિકનિકની બસને ભયંકર અકસ્માતના ખબર મળતાં જ રત્ના ભાંગી પડી. નિશા અને ગૌરી સાથે કાર દોડાવી અને પુના ઘાટ પર પહોંચી ગઈ. બહુ ખરાબ અકસ્માત હતો. માતાપિતાનાં આક્રંદથી પહાડ પણ ધ્રૂજી ઊઠ્યો હતો.
અર્જુન ઘવાયો હતો, પણ ટ્રીટમેન્ટ પછી ઍમ્બ્યુલન્સમાં રત્ના દીકરાને ઘરે લાવી. પતિ અમેરિકાથી કૉન્ફરન્સ પડતી મૂકી ફ્લાઇટ બદલતાં ઘરે પહોંચતાં જ જગમોહન અર્જુનના રૂમમાં દોડી ગયા.
અર્જુનને એના બેડરૂમની બારી પાસે જ સૂવું છે, જ્યાંથી તેને દેખાય છે બંગલાનું પાછલું આંગણું, જ્યાં સંજુ સાથે એણે બર્થડે હજી હમણાં જ ઉજવ્યો હતો. જગમોહન આવતાંવેંત અર્જુનને વળગી પડ્યા,
‘બેટા, તારે માટે સરસ ગેમ લાવ્યો છું, તું ઠીક થઈ જા, આપણે પાર્ટી રાખીશું. સેલિબ્રેશન…
‘પણ એમાં મારો બેસ્ટ ફ્રૅન્ડ નહીં આવે. પાર્ટીની જરૂર નથી’
‘સૉરી બેટા, હું ભૂલી ગયો સંજુ હવે…’
રત્નાએ ધીમા સૂરે કહ્યું
‘એનાં માબાપ તો તરત ગામ ચાલી ગયાં. તમે કહેતા કે અભણ નોકરનો દીકરો સંજુ. પણ શું માબાપના સંસ્કાર! એટલા દુઃખમાંય દીકરાનું અંગદાન કર્યું અને…’
અર્જુન પથારીમાં બેઠો થયો,
‘અને એ મારો બેસ્ટ ફ્રૅન્ડ હતો. તમને અમે સાથે રમીએ તે ન ગમતું ને! પણ હવે અમે ક્યારેય જુદા નહીં પડીએ.’
જગમોહને ચમકીને અર્જુન સામે જોયું. એના ચહેરાની બે આંખો એમને તાકી રહી હતી