Home/ Detail Info
Back

ABOUT BOOK


નવી રિલીઝ થયેલી ફિલ્મના રિવ્યુઝ તો આપણે અવારનવાર જોતા રહેતા હોઈએ છીએ, જેમાંની કેટલીક ફિલ્મો બૉક્સઑફિસ પર ધૂમ કમાણી કરીને સુપરહિટ સાબિત થાય છે તો કેટલીક ફ્લૉપ. પરંતુ ઘણી ફિલ્મો એવી હોય છે જે હિટ અને ફ્લૉપના માપદંડથી ઉપર ઊઠીને ક્લાસિકનું સ્થાન મેળવતી હોય છે. વિશ્વ સિનેમાના ઇતિહાસમાં આવી અનેક ફિલ્મો છે જે કાલાતીત છે.

આવી જ ઑલટાઇમ ક્લાસિક ફિલ્મોનો રસાસ્વાદ કરાવતું પુસ્તક એટલે ફિલ્મરસિક અને વિશ્વ સિનેમાના અભ્યાસુ શ્રી ભગવાનભાઈ થાવરાણી લિખિત અને ઝેન ઓપસ દ્વારા પ્રકાશિત પુસ્તક વિશ્વ સિનેમા.

પુસ્તકમાં સ્ટોરી-ટેલિંગ અને મેકિંગની દૃષ્ટિએ અદ્ભુત ગણાતી ૨૫ ફિલ્મો વિશેની વાત કરવામાં આવી છે. સાથે સાથે તેને ડિરેક્ટ કરનાર ૨૫ દિગ્ગજ ફિલ્મ-દિગ્દર્શકોનો સંક્ષિપ્ત છતાં સચોટ પરિચય પણ મળે છે.

આ યાદીનાં થોડાં નામોની વાત કરીએ તો એમાં સામેલ છે ભારતીય દિગ્દર્શક સત્યજિત રે અને તેમની ફિલ્મ ‘જલસાઘર’, હંગેરિયન ફિલ્મસર્જક બેલા તાર અને તેમની ફિલ્મ ‘તુરીન હોર્સ’, ઈરાની ફિલ્મમેકર અબ્બાસ કિયા અને તેમની ફિલ્મ ‘વિન્ડ કૅન કૅરી અસ’, અમેરિકન ફિલ્મસર્જક સિડની આર્થર લુમેટ અને તેમની ફિલ્મ ‘ટ્‌વેલ્વ્થ ઍન્ગ્રી મેન’, વિત્તારીઓ સિક્કાની પ્રસિદ્ધ ‘બાઇસિકલ થીવ્ઝ’ અને વિખ્યાત જાપાનીઝ ફિલ્મમેકર અકિરા કુરોસાવા અને તેમની ફિલ્મ ‘ઇકીરુ’.

પુસ્તકમાં એવાં તમામ પરિબળોની વાત કરવામાં આવી છે જે આ ફિલ્મોને ક્લાસિક બનાવે છે. જેમ કે ફિલ્મ ક્યારે અને કયા સંજોગોમાં બની, ફિલ્મનું કથાવસ્તુ શું છે, એનાં દૃશ્યો પાછળના ગૂઢ સંકેતો અને સંદર્ભ કયા છે વગેરે.

લેખકે આ દિગ્ગજ દિગ્દર્શકો અને તેમની ક્લાસિક ફિલ્મો વિશે મૂળભૂત માહિતી તો પીરસી જ છે, સાથે તેમને એસ્થેટિક દૃષ્ટિથી મૂલવવાનો પ્રયાસ કર્યો છે, જેની પાછળ લેખકનું ફિલ્મો પ્રત્યેનું પૅશન અને અભ્યાસ સરાહનીય છે.

દરેક ફિલ્મનો રસાસ્વાદ જે તે ફિલ્મની કથા, પટકથા, સંવાદો અને તેના મુખ્ય સૂરને સંલગ્ન રહી આલેખવામાં આવ્યો છે, જે વાચકને તાદૃશ્ય ફિલ્મ જોવાની અનુભૂતિ કરાવે છે.

વિશ્વ સિનેમાના પટલ પર અભૂતપૂર્વ યોગદાન આપનાર આ દિગ્દર્શકો અને તેમની ફિલ્મો જીવંત ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટથી કમ નથી.

વિશ્વના ૨૫ શ્રેષ્ઠ દિગ્દર્શકોની ૨૫ અદ્ભુત ફિલ્મોની સિનેમેટિક સફર કરાવતું આ પુસ્તક દરેક ફિલ્મરસિક માટે ફિલ્મી એન્સાઇક્લોપીડિયા બની રહેશે.

DETAILS


Title
:
Vishwa Cinema
Author
:
Bhagwan Thavrani (ભગવાન થાવરાણી)
Publication Year
:
2026
Translater
:
-
ISBN
:
9789347419959
Pages
:
180
Binding
:
Paperback
Language
:
Gujarati