Author : Pravin Gadhvi (પ્રવીણ ગઢવી)
સુવર્ણઢાંકણે ઢંકાયેલા સત્યની રજૂઆત પરંપરા જ્યારે આસ્થાનું ઓઢણ ઓઢી લે છે ત્યારે સત્ય અને તથ્ય ગૌણ બની જતાં હોય છે. સંસ્કૃતિની ગૌરવગાથા ગાઈને ખુશ રહેનારી પ્રજા વાસ્તવના વિકરાળ સ્વરૂપને સ્વીકારી શકતી નથી. એને તો હરદમ ભવ્ય અને ભાતીગળ અતીતના છદ્મ પરિવેશમાં જ રાચવું ગમે છે. એવી ભ્રામક માન્યતાઓ અંતે તો પ્રજાનું પોત પાતળું જ કરતી હોય છે. ભારતીય સંસ્કૃતિનાં ગુણગાન ગાતાં ગાતાં એની અનેકવિધ મર્યાદાઓ પરત્વે પણ આંખમીંચામણાં થતાં રહ્યાં, જેથી એનું સમ્યક્ દર્શન કરાવનાર તટસ્થ કલમો હાંસિયે જ કણસતી રહી છે. છતાં સત્યની તેજાબી તાકાત ભીંત ફાડીને ઊગતા પીપળાની જેમ યદાકદા ઝબૂકતી જ રહે છે, જેનું હાથવગું ઉદાહરણ ક્યારેક નગીનદાસ સંઘવી તો ક્યારેક આ પુસ્તકના કર્તા પ્રવીણ ગઢવી બનતા રહે છે. પ્રવીણ ગઢવી પોંખાયેલા બહુશ્રુત સંશોધક છે. અહીં એક તરફ તેઓ શૂદ્ર ઋષિઓ, તપસ્વીઓ અને વેદ-પુરાણકાળની ઋષિકાઓ તથા વેદ-પુરાણકાળમાં સ્ત્રીઓ વિશે સાર્થક અને સોદાહરણ ચર્ચા કરે છે તો બીજી તરફ આપણે સ્વીકારી લીધેલાં અનેક પરંપરાગત ગૃહીતોનો તર્કપૂત છેદ ઉડાડી વાચકોને કઠોર વાસ્તવનો અણસાર પણ આપે છે. ઇતિહાસના ઊંડા અભ્યાસી લેખકે આ વિશિષ્ટ સંશોધનાત્મક લેખો વૈદિક, પૌરાણિક સમયમાં સ્ત્રીઓ, શૂદ્રો, અસુરો વગેરેની વાસ્તવિક પરિસ્થિતિ ઉજાગર કરીને પ્રકાશ પાડ્યો છે. રામાયણ, મહાભારત અને ભાગવત કે ગીતા જેવા ગ્રંથો અને ઉપનિષદોના ઊંડા અવગાહન પછી એ બધાના સારગર્ભ દોહન રૂપે પ્રગટેલું સત્ય કડવું લાગે તો પણ એ સત્ય છે. એની પ્રતીતિ આ લેખો વાંચ્યા પછી થયા વિના રહેશે નહીં. સુવર્ણઢાંકણે ઢંકાયેલું કડવું અને વરવું સત્ય રજૂ કરવાની ફરજ એમણે અદા કરી છે. - કેશુભાઈ દેસાઈ