Author : Mitul Thaker (મિતુલ ઠાકર)
અનાદિકાળથી અતૃપ્ત સુવર્ણમયી મૃગતૃષ્ણા
* સુવર્ણ, સોનું, કાંચન, હેમ, કનક, જર, હિરણ્ય જેવાં અઢળક નામ ધરાવતી એક ચમકતી, આકર્ષક ધાતુ જેટલી આકર્ષક છે એટલી જ ભયાનક પણ છે. જ્યારથી આપણને આ ધાતુ મળી છે ત્યારથી તેનું સામ્રાજ્ય અક્ષુણ્ણ છે.
* મહામાયાની માયાજાળમાં ફસાયેલો મનુષ્ય, આ ધાતુ પાછળ મહામૂર્ખની જેમ દોડી રહ્યો છે, કારણ કે તેની સાથેની સ્ત્રીઓ આ ધાતુને અનહદ ચાહે છે અને એ પુરુષ એ સ્ત્રીઓને! આ કાળચક્રમાં લોહીના સંબંધો અને કરોડો યોદ્ધાઓ હોમાઈ ચૂક્યા છે છતાં એ સુવર્ણની રક્તપિપાસા તૃપ્ત નથી થઈ!
* કેરળ રાજ્યમાં આવેલા તિરુવનંતપુરમ્ શહેરની મધ્યમાં પ્રસિદ્ધ પદ્મનાભ સ્વામીનું મંદિર, અચાનક સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ થઈ જાય છે. કારણ? મંદિરના એક ભોંયરામાંથી મળેલો રૂપિયા એક લાખ કરોડનો ખજાનો! મંદિરનું અન્ય એક ભોંયરું ખોલવામાં સરકાર સફળ થતી નથી અને જન્મે છે એક ઘેરું રહસ્ય! શું એ ભોંયરામાં હજી વધુ સુવર્ણ હશે?
* હજારો વર્ષનો ઇતિહાસ ધરાવતું આ મંદિર, રામાયણની એક મહાન રહસ્યમય ઘટના સાથે સંકળાયેલું છે. શું હશે એ ઘટના? વર્તમાન સમયમાં અભય અને શલાકા એ રહસ્યને ભેદવા પોતાની સમગ્ર ઊર્જાને લગાવી રહ્યાં છે. તેઓને ધીમે ધીમે માર્ગ મળી રહ્યો છે, પણ તેનો અંત ક્યાં, ક્યારે અને કેવો આવશે?
* મેસોપોટેમિયાથી આરંભ થયેલી સુવર્ણયાત્રા, જંબુદ્વીપમાં આવીને વિરમે છે. આર્યોની સુવર્ણતૃષા સામે લંકાપતિ રાવણની સુવર્ણભૂખ પોતાનું વિકરાળ મુખ ખોલે છે અને મંડાય છે એક લોહિયાળ જંગ!
* ભારત દેશથી દૂર, સમુદ્રમાં આવેલા નયનરમ્ય ટાપુઓનો સમૂહ, માલદીવના એક નિર્જન ટાપુના ભોંયરામાં એક અતૃપ્ત આત્મા હજારો વર્ષોથી કોઈકની રાહ જોઈ રહ્યો છે!