આપણી પ્રાચીન સંસ્કૃતિનું સૂત્ર છે : `યથા બ્રહ્માંડે તથા પિંડે.’
આનો અર્થ સ્પષ્ટ છે. સમસ્ત બ્રહ્માંડ જે પાંચ મહાતત્ત્વો – અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી તથા જળથી બન્યું છે તે પાંચ તત્ત્વોથી જ આપણું શરીર પણ બન્યું છે.
આ પાંચ તત્ત્વોમાં અસંતુલન થાય તો બ્રહ્માંડની જેમ જ આપણા શરીરમાં પણ ખળભળાટ મચી જાય અને એ ખળભળાટ એટલે જ સમયે સમયે આપણા શરીરમાં થતાં દુખાવા, રોગ, અસ્વસ્થતા, નબળાઈ, મૂંઝારો, બેચેની વગેરેથી શરૂ થઈને આગળ વધતી ગંભીર બીમારીઓ. શરીરની આવી નાની-મોટી તકલીફો માટે આપણે વારંવાર ડૉક્ટર કે દવાઓ તરફ દોડી જઈએ છીએ અને ઇલાજના નામે સરવાળે તકલીફને `દબાવી દઈએ’ છીએ.
શરીરની આ અસંતુલિતતાને કાબૂમાં લાવવા માટેની સરળ, સુલભ અને હાથવગી ચિકિત્સા પદ્ધતિનું નામ છે – મુદ્રાવિજ્ઞાન. કોઈપણ જાતના ખર્ચ વગર ઘરેબેઠાં વિવિધ મુદ્રાઓ દ્વારા તમે રોગ અને તકલીફોથી મુક્ત રહી શકો છો.
મુદ્રાવિજ્ઞાન એટલે તમારા સ્વાસ્થ્ય માટેનું સદીઓ પુરાણું અકસીર શાણપણ, જે તમારા લાંબા, સુખી જીવન માટે તંદુરસ્તીની સચોટ પદ્ધતિ છે.