લેખક: રાજ ભાસ્કર
પુસ્તકનું નામ: અહલ્યાબાઇ હોળકર
પાના: 208
બાઈન્ડીંગ: પાકું પુંઠું
ભાષા: ગુજરાતી
લેખક શ્રી રાજ ભાસ્કરનું આ નવું પુસ્તક ભારતભૂમિને ગૌરવ અપનાવનારા લોકમાતા અહલ્યાબાઈ હોળકરના જીવન પર આધારિત છે. આ પુસ્તક વાંચતી વખતે પાને પાને એવું અનુભવાઈ રહ્યું હતું જાણે હું કોઈ સાચા જીવનને પડદે ઝિલાયેલું જોઈ રહ્યો હોઉં. જાણે ફિલ્મ જોતાં હોઈએ એવી અનુભૂતિ થઈ.
રાજના લેખનની મજા એ છે કે એમાં દૃશ્યાત્મકતા આવે છે. કોઈ પણ વિષય પર રાજ લખે ત્યારે પૂરી સજ્જતા અને અભ્યાસ સાથે લખે. વિશેષ તો આ કથાને તેમણે સંવાદોથી સજીવન રાખી છે એટલે વાંચવાનો વિશેષ આનંદ આવે છે. ઐતિહાસિક પાત્રની જીવની લખવી જુદી વાત છે અને તેમના વિશે ડોક્યુ-નોવેલ લખવી જુદી વાત છે. જીવની મોટાભાગે નીરસ બનવાનો ભય રહે છે અને ડોક્યુ-નોવેલમાં વધુ પડતી કલ્પનાશીલતા કે નાટ્યરૂપાંતર થઈ જવાનો ડર હોય છે, પણ લેખક રાજ ભાસ્કર આ ડોક્યુ-નોવેલમાં જરા પણ અતિશયોક્તિ કર્યા વિના તેને રસપ્રદ રીતે રજૂ કરી શક્યા છે. ઘટનાની તારીખો, સમય, ઐતિહાસિક સત્યતા વગેરે વિશે તેમનું ઊંડું સંશોધન વાર્તાના શબ્દોમાંથી આબાદ રીતે ઊભરે છે. અહીં એક મહાન નારીની જીવનીને નવલકથામાં ઢાળી છે, પણ એની સત્યતાને ઊની આંચ પણ આવવા દીધી નથી.
રાજ ભાસ્કરે ખૂબ સમય આપીને, સંશોધન કરીને, ખૂબ ચીવટથી આ નવલકથા લખી છે અને આવા ઐતિહાસિક પાત્રને આપણી સમક્ષ રજૂ કર્યું છે એ બદલ તેમને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. બીજા ખાસ અભિનંદન નવભારત સાહિત્ય મંદિરના યુવાસારથી શ્રી રોનકભાઈ શાહને પણ આપું છું, કારણ કે ચપોચપ વેચાઈ જતાં વિષયોનાં પુસ્તકોની ભરમાર વચ્ચે રોનકભાઈ ભારતવર્ષના આવા મહાન પાત્રો વિશે માતબર પ્રોડક્શનમાં નવલકથાઓ છાપે છે એ બહુ જ મોટી હિંમતનું કામ છે. ભારતભૂમિ સાથે તેમના જોડાણ વિના આ શક્ય જ નથી.
– હરદ્વાર ગોસ્વામી