ગુજરાતી હાસ્યસાહિત્યમાં એક અનોખું રજવાડું છે. આ રજવાડાના સમ્રાટ છે – અશોક દવે.
અશોક દવે કોના જેવું લખે છે? આવો પ્રશ્ન કોઈના મનમાં ઉદ્ભવે તો એનો એક જ જવાબ છે : અશોક દવે – અશોક દવેના જેવું લખે છે!
અશોક દવેએ પ્રારંભમાં જ જયંતી જોખમ અને પરવીણ ચડ્ડી જેવાં પાત્રો રમતાં મૂક્યાં. આ પાત્રોએ ગુજરાતને ખાસ્સું હસાવ્યું છે. આ ઘણી મોટી સિદ્ધિ છે.
એમની `ઍન્કાઉન્ટર’ સવાલ-જવાબની કૉલમ છે. વાચકોએ ખરેખર પૂછેલા સવાલોના હળવા જવાબોની આ કૉલમ છે. બકુલ ત્રિપાઠી આને `કટે રન’વાળું હાસ્ય કહેતા હતા. શેરીમાં રમાતી ક્રિકેટની રમતમાં દડાને કટ વાગે એટલે રન લેવાનું ફરજિયાત હોય છે. ‘ઍન્કાઉન્ટર’ જેવી કૉલમમાં પણ લેખકે કટે રન લેવાની કુશળતા દાખવવાની હોય છે. આ કારણે પોતાની પાસે આવતા અનેક સવાલોમાંથી રન આપવાની ક્ષમતાવાળા સવાલો લેખકે પસંદ કરવાના હોય છે ને એના નર્મયુક્ત હાસ્યવાળા જવાબ આપવાના હોય છે. આ પુસ્તકના વાચકોને પાનેપાને આની પ્રતીતિ થશે એવી મને શ્રદ્ધા છે.
રાજમાર્ગ પર જેમ થોડાં થોડાં અંતરે માઇલસ્ટોન મુકાતા હોય છે તેમ ગુજરાતી હાસ્યસાહિત્યના રાજમાર્ગ પર અશોકના શિલાલેખો કોતરાઈ ચૂક્યા છે.
– રતિલાલ બોરીસાગર